"વિજયા દશમી" - Chetan Patel
 

“વિજયા દશમી”

“વિજયા દશમી”

“વિજયા દશમી” ની હાર્દિક શુભેચ્છા

*દશેરાના પાવન પર્વ ઉપર તમારા જીવનના તમામ તણાવ અને ચિંતાઓ નુ દહન થાય અને તમારા જીવન માં સફળતા મળે એવી શુભેચ્છા. *

તમને અને તમારા પરિવારને દશેરા ની શુભકામના..

“દશેરા” એટલે શું ? શબ્દસંધિ મુજબ અર્થ થાય છે “દશ + હરા” . એટલે કે દશને હણવા કે હરાવવાની વાત છે.

સવાલ: કોણ અને કયા દશને હરાવવાનાં છે ?
જવાબ: લોકો ધડ દઇને કહેશે; રાવણનાં દશ મસ્તકને હણવાની વાત છે. સાચું ! પણ આ રાવણનાં દશ મસ્તક કયા ?

આવો જોઇએ, આ દશ મસ્તક રાવણ જેવા મહાજ્ઞાની અને મહા બળવાન નો પણ નાશ કરે છે. આપણે આ દશને હરાવવાનાં છે. અને એને હરાવવાનો સંકલ્પ દ્ઢ કરવાનો દિવસ એટલે “દશેરા”.

(૧) કામ વાસના : જે સર્વાંશે ખરાબ નથી, આપણા કાબુમાં રહે તો, પરંતુ કાબુ બહાર જઇ અને ખુદ આપણા પર કાબુ કરી લે તે ખરાબ છે. અને પછી તો ’કામાતુરાણાં ન ભયમ્ ન લજજા’ એ પ્રમાણે રાવણ બનતા વાર લાગતી નથી.

(૨) ક્રોધ : અગ્નિની માફક ઊપયોગી રહે ત્યાં સુધી ઠીક છે પરંતુ દાવાનળની જેમ બેકાબુ બને ત્યારે બધું જ ભસ્મિભૂત કરી નાખે છે.
(૩) મોહ : આંખે દેખતો રહે તો નુકશાન નથી કરતો, પરંતુ ધૃતરાષ્ટ્રની જેમ જ્યારે આંધળો બને છે ત્યારે હંમેશા મહાભારત સર્જે છે.
(૪) લોભ : જ્યારે અન્યના ભોગે પણ ભેગું કરવા પર આવે છે ત્યારે સારાસારનો વિવેક ભુલાવી દે છે.
(૫) મદ : આને અતિઅભિમાન કહી શકાય, અભિમાન ખરાબ નથી પરંતુ જ્યારે અતિ થાય છે ત્યારે તેને સાક્ષાત સુર્યના તેજમાં પણ કશું નજરે ચઢતું નથી.

(૬) મત્સર : ઈર્ષા, મત્સર હકારાત્મક હોય તે વિકાસ માટે જરૂરી બને પરંતુ નકારાત્મક હોય ત્યારે અન્યની લીટી ભુંસી અને પોતાની મોટી બતાવવાનો ધંધો આદરે છે. ક્યારેક તો મત્સરના માર્યા લોકો પોતાનું નાક કપાવીને પણ બીજાને અપશુકન કરાવવા સુધી પહોંચે છે.

(૭) માનસ : મન, મન મર્કટ જેવું હોય છે, ક્યાંક ડાળે વળગાડી રાખવું સારૂં !!

(૮) બુદ્ધિ : બુદ્ધિ સારૂં તત્વ જ છે, છતાં તેને કાબુમાં રાખવા પર અહીં ભાર મુકાયો છે. નહીં તો છેતરપીંડીથી લઇ અને કોઇકની તિજોરી તોડવા જેવાં નઠારાં કામો પણ બુદ્ધિ કરી શકે છે.

(૯) ચિત્ત : આને અંતરમન કહી શકાય ? આત્મા કહી શકાય ? કારણ કે કાબુમાં ન રાખો તો તે દુષ્ટાત્મા બની પણ શકે છે. આથી જ તો ચિત્તને શુદ્ધ રાખવા પર ભાર દેવાયો છે.

(૧૦) અહંકાર : ગર્વ, આમ તો યોગ્ય બાબતે ગર્વ સારો પણ હોય છે, જરૂરી પણ છે. પરંતુ પ્રમાણભાન ન રહે તો તે અહંકારમાં બદલાઇ જાય છે. અને અહંકાર આગળ પછી કોઇ પણ ડહાપણ ચાલતું નથી.

આ દશ મસ્તકનું વર્ણન મેં મારી સમજણ મુજબ કર્યું છે, આનો કોઇ આધાર નથી. કોઇની માન્યતા ભિન્ન પણ હોઇ શકે છે. પરંતુ માત્ર પુતળાદહન કરતાં મને આટલું વિચારી અને જીવનમાં યોગ્ય સુધારાનો પ્રયાસ કરવો વધુ ઉત્તમ લાગ્યો.

આપના આવનારા દરેક દિવસો મંગલ મય હો.

No Comments

Post A Comment